ક્યાંક તું ને ક્યાંક હું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું
કાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું

આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા
ને ઊભા અંતરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું

ક્યાંય નકશામાં નથી ને સાથ ત્યાં રહેવું સરળ
કાળજે સાચવતા એ સ્થળ ક્યાંક તું ને ક્યાંક હું

બારણે ઊભા હશે, સૂતા હશે, ઉઠ્યા હશે
રોજ બસ કરીએ આ અટકળ ક્યાંક તું ને ક્યાંક હું

વ્યસ્ત કંઈ એવા સતત ના જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ ક્યાંક તું ને ક્યાંક હું

એકલાં છલકાઈ ને ચૂપચાપ સુકાઈ જતાં
લાગણી ખાતર થયા જળ ક્યાંક તું ને ક્યાંક હું

એકબીજામાં ધબકતા જીવની માફક સતત
આ અમસ્તા બાર કેવળ ક્યાંક તું ને ક્યાંક હું

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Leave a comment