માધવના દેશમાં ન જાજો રાધાજી – ધૂની માંડલિયા


માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

વાંસળીની ફૂંક જરા અડકી ના અડકી
ત્યાં તૂટવાના સપનાનાં ફોરાં.
રાતે તો લીલુડા પાન તમે લથબથ,
સવારે સાવ જાને કોરાં.

કાંઠે તો વિદેહી વાર્તાની જેવો, એને શું પાણી-પરપોટો
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

મોર જેવો મોર મૂકી પીંછામાં મોહ્યો
એવી તો એની પરખ છે.
શ્યામ રંગ ઢાંકવા પાછો પૂછે છે
પીતાંબર કેવું સરસ છે.

મથુરાનો મારગ કે ગોકુળિયું ગામ હો મલક ભલે ને હો મોટો
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

– ધૂની માંડલિયા

Advertisements

એ રીતે – ભરત વિંઝુડા


એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !

હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !

જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !

– ભરત વિંઝુડા

કોક સવારે – હરિકૃષ્ણ પાઠક


કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.

કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

– હરિકૃષ્ણ પાઠક

ધાર્યા કરતા વહેલી થઈ ગઈ – મિલિંદ ગઢવી


ધાર્યા કરતા વહેલી થઈ ગઈ
જાત સદંતર મેલી થઈ ગઈ

મેં હસવાનું શીખી લીધું
દુનિયાને મુશ્કેલી થઈ ગઈ

ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા
સમજણ સાથે રેલી થઈ ગઈ

બે ફળિયાએ પ્રેમ કર્યો તો
વંડીમાંથી ડેલી થઈ ગઈ

દર્પણમાં એવું શું જોયું ?
ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ

– મિલિંદ ગઢવી (ગ.મિ.)

તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા


તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે તે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું સત્યને કાજે વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રાવણકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

વધુ ગરબા માણવા માટે અહી કિલક કરો 

કદાચ – ‘સાહિલ’


ફૂલોએ આપઘાત કર્યો હોય પણ કદાચ,
આ શૂન્યતામાં શબ્દ સર્યો હોય પણ કદાચ.

અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.

લાગે છે છિન્નભિન્ન થયો એટલે નહીં,
ધસમસતાં પૂર સામે તર્યો હોય પણ કદાચ.

કારણ વગર ભીતરથી ખળભળું છું આજકાલ,
કોઈએ અરીસો સામે ધર્યો હોય પણ કદાચ.

પરબીડિયું જે અંધકારમાં ડૂબી ગયું,
તડકો ગજબનો એમાં ભર્યો હોય પણ કદાચ.

‘સાહિલ’ નદીના કાંઠે વીત્યું જેનું આયખું,
એ શખ્સ રણના હાથે ઠર્યો હોય પણ કદાચ.

– ‘સાહિલ’

ચાર વર્ષની યાદગાર સફર….


મિત્રો,

ગુજરાતી ગઝલની સફર જૂનની ૫ તારીખે ચાર વર્ષ પૂરા  કરીને પાંચમા વર્ષમાં પગલા માંડી રહી છે, ઉપરાંત આજે ગુજરાતી ગઝલના મુલાકાતીઓની સંખ્યા પણ 5,80,700 નો આંકડો વટાવી ગઈ છે.  ત્યારે આ ખુશી, આ આનંદ  શ્રી રશીદ મીરની આ ગઝલના માધ્યમ  દ્વારા  આપ સૌની સાથે વહેંચવી ગમશે… 

સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ.  

ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.

સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.

શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા, હું પણ પોલું તું પણ પોલ.

%d bloggers like this: