જીવન ચણવા બેઠા – અનિલ ચાવડા


શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

– અનિલ ચાવડા

એક મોજું એ રીતે અથડાય છે – અનિલ ચાવડા


એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.

-અનિલ ચાવડા

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને – અનિલ ચાવડા


છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા
(“લયસ્તરો” ના સૉજન્યથી)

મળવા આવું ક્યાંથી ?


‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ  અલગ બે  અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                       નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
                                                                                  તમે થઈ ગયા ચૂપ
                                   રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
                                                                                  ક્યાંથી ચીતરું રૂપ ?

 રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                       ક્ષણના તારેતાર ઉપર પણ, ઈચ્છાઓના દ્વાર ઉપર પણ,
                                                                                   મારી દીધી સાંકળ
                         યુગો  યુગોથી  ખૂલવા  કરતી ‘હોવું’  નામે  બોતલ  ઉપર,
                                                                                     વાસી દીધું ઢાંકણ.

રસ્તા, શેરી, ગામ-ગલીનો  ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                                                                                       – અનિલ ચાવડા

વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?


વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

-અનિલ ચાવડા

%d bloggers like this: