ઢળવાનું કહો


પાંપણોને સહેજ ઢળવાનું કહો.
સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.

ચોકમાં આવીને મળવાનું કહો
લાગણીઓને પલળવાનું કહો.

દર્પણોમાંથી નીકળવાનું કહો
આ પ્રતિબિંબોને છળવાનું કહો.

લો સપાટી પર બરફ જામી રહ્યો
આ સમુદ્રોને ઉકળવાનું કહો.

સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે
હા કહો, સૂરજને ઢળવાનું કહો.

ભાર ઝાકળનો કળીની પાંપણે
પથ્થરોને પણ પલળવાનું કહો.

ભસ્મ પણ ઊડી ગઈ મૃતદેહની
આ પવનને પાછા વળવાનું કહો.

પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની
આ અમાસોને પ્રજળવાનું કહો.

મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે
જે અકળ છે એને કળવાનું કહો.

– આદિલ મન્સુરી

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.


માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

– આદિલ મન્સૂરી

ફરમાઇશ કરનાર : મૌલિક
સ્વરાંકન માણો: રણકાર.કોમ

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે


ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલકાર તરીકે એક આગવું સ્થાન ધરાવનાર કવિ શ્રી આદિલ મન્સુરીએ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લીધી. અમારા તરફથી એમને શ્રધ્ધાંજલી એમના જ શબ્દોમાં …

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

– ‘આદિલ’ મન્સૂરી

Download Song :  નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,


દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

-‘આદિલ’

આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.


કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.

કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

– આદિલ મન્સુરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે


આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

– ‘આદિલ’ મન્સૂરી

લોહીની નદીઓ વહે છે રોકો


લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો

આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો

ક્યાં સુધી ચાઅશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો

ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો

શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો

છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો

-આદિલ મનસુરી

%d bloggers like this: