તમારું નોખું હું ધ્યાન રાખું


તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.

કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.

તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.

– ગૌરાંગ ઠાકર

જેના પડછાયા વડે છાંયો પડયો


જેના પડછાયા વડે છાંયો પડયો,
પહેલા એના પર અહીં તડકો પડયો.

દીકરા સાચે જ તું મોટો થયો,
બાપનો આ મ્હેલ પણ નાનો પડયો ?

રૂપ તો સાબિત થશે, પણ ગુણ વિશે ?
ફૂલની ફોરમનો ક્યાં ફોટો પડયો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડયો.

પાંખ પીંખાઈ અને પીંછા ખર્યાં,
ક્યાં હવામાં એકપણ ગોબો પડયો ?

જળના શ્વાસોશ્વાસ લાગી માછલી,
જાળ નાંખી હું ય છોભીલો પડયો

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

ગૌરાંગ ઠાકર

મારી આ દિવાલોથી મને પાર કરી દે – ગૌરાંગ ઠાકર


મારી આ દિવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઉગી જા,
તું ફૂલ પર એટલો ઉપકાર કરી દે.

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.

ગૌરાંગ ઠાકર

%d bloggers like this: