પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાકડા પર – ડો. કિશોર વાઘેલા


પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાક પર
એ પછીથી નામ નોખાં એ ધરે છે ચાક પર

લ્યો, ફરી ગારો બની, માટી મહીં એ આવશે ત્યાં,
આવરણ આકારનું બદલ્યા કરે છે ચાક પર

આ ઘડાના ભીતરી અવકાશમાં હું હોઉ છું બસ,
છૂટતાં કાયા, પવન થઈ શું ફરે છે ચાક પર

મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે આ રાફડામાં,
આપણી જિજીવિષા ફરતી રહે છે ચાક પર

આ અરીસે કોળતી શ્રુંગારની સંભાવનામાં,
પૂછજે આતમ, તને તન શું કહે છે ચાક પર

ડો. કિશોર વાઘેલા

%d bloggers like this: