કોણ…?


સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે,
કોઇ ત્યારે યાદ આવી જાય છે.

રાત ઢળતા એક પડછાયો મળે,
એ પછી ચોમેર વ્યાપી જાય છે.

છુંદણાંમાં કોણ પીડા આપતું,
એ વિચારે દર્દ ભાગી જાય છે.

છાંટણાં વરસાદના સ્પર્શી જતાં,
રોમ સૌ ધરતીના જાગી જાય છે.

હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઇ આવી રોજ તાપી જાય છે.

રોજ હું વાવી રહી સંબંધને,
રોજ આવી કોણ કાપી જાય છે .

-પુષ્પા મહેતા.

%d bloggers like this: