વસંતનું પદ


કુંજડીઓ થૈ બોલે છે પડછાયા
વહી ગયેલા દિવસો કોના ઘરમાં આવ્યા ?

કોણ ક્યારનું હળથી મારી પડતર માટી ખેડે ?
અડધું ઊગે અંકુર થઈને પડધું પૂગે શેઢે
ખેતરને ભીંજવતી આજે ટહુકે કોની છાયા ?
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા…

ઝાકળ જેવી આંખો ખોલી શેઢો સસલું બોલે
આંબા ઉપર ફૂટે મંજરી સીમ ચડી છે ઝોલે
ફૂલ ફૂલમાં આભ ઊતર્યું સૂરજ થઈ છે કાયા
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા…

ઊડી ગયેલું જંગલ લઈને પંખી ડાળે આવ્યાં
વહી ગયેલા દિવસો પાછા સૂના ઘરમાં લાવ્યાં –
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા

– મણિલાલ હ. પટેલ

સીમમાં


ઢેફાં ભાંગી ધૂળ કરી ને અંદર ઓર્યાં બીજ
બે જ દિવસમાં ભરચક ખેતર ઊગી નીકળી ત્રીજ

અક્ષર જેવા અંકુરો ને છંદોલય શા ચાસ
ઘઉંની ઊંબી લળી લળી કહે આવ આવ તું પાસ

કલકલિયાની ઊડાઊડથી હવા રહે રંગાતી
અમથા ઊડે ચાસ જરા તો સીમ ઘણું વળ ખાતી

વગડાવાટે સૂનાં પંખી માટીવરણું બોલે
શીમળે બેસી કાબર કોના શૈશવને કરકોલે

આઘી ઓરી થયા કરે છે ખેતર વચ્ચે કન્યા
કુંવારકા ધરતીની એ પણ પાળે છે આમન્યા

લાંબા લાંબા દિવસો જેવા શેઢા પણ છે લાંબા
જીવ કુંવારો ગણ્યા કરે છે મ્હોર લચેલા આંબા

કોક તરુની ડાળે બેસી બોલ્યા કરતો હોલો :
ઘર-ખેતર કે બીજ-તરુના ભેદ કોઈ તો ખોલો

કોસ ફરે છે રોજ સવારે કાયમ ફરતો રહેંટ
તો પણ જળ ને તરસ વચાળે છેટું રહેતું વેંત

– મણિલાલ હ. પટેલ

%d bloggers like this: