આનંદ અને ખૂબ ખૂબ આભાર – ગુજરાતી ગઝલ ના વાચકોની સંખ્યા ૧૦,૦૦,૦૦૦ ને પાર


આજે અહીંની મુલાકાત લેનાર વાચકોની સંખ્યા ૧૦,૦૦,૦૦૦ નો આંકડો વટાવી ગઈ ત્યારે એક અનોખો રોમાંચ થઈ રહ્યો છે. કાલે સાંજે બ્લોગ પર ૯,૯૯,૯૯૨ નજરે પડ્યા તો થયું કે જ્યારે મેં આ બ્લોગની શરુઆત કરી હતી ત્યારે તો માત્ર એક જ વિચાર હતો કે મને જે કાંઈ ગમે તે અહીં મૂકવું અને મારા જેવા બીજા મિત્રો કે જેને ગુજરાતી વાંચન ગમતું હોય તેને જણાવવું…  હા, શરુઆત તો બહુ જ જોરશોરથી કરી હતી, દિવસની બે, ત્રણ કે ચાર પોસ્ટ મૂકાઈ જતી…  ધીમે ધીમે ગઝલ અને અન્ય કાવ્ય પ્રકારો વિષે થોડી સમજ કેળવાતી ગઈ તેમ આ પ્રવૃત્તિ ઓર ગમવા લાગી….  જો કે પછીથી પોસ્ટીંગના સમયમાં વહેલું મોડું પણ થવા લાગ્યું પણ તે છતાં આ યાત્રા આગળ વધતી જ રહી… અને વાચકવર્ગ તરફથી સતત મળતા સકારાત્મક પ્રતિભાવો અને વિવિધ રચના માટેની માગણી એ હમેશા ગર્વનું કારણ બની રહી છે.

મેં પહેલા પણ જણાવ્યું છે તેમ આ બ્લોગ અમારા માટે ટેબલ પર પડેલી ડાયરી જેવો છે જેમાં જે ક્ષણે જે ગમ્યું તે નોંધાતું રહે અને એ ડાયરી માત્ર ટેબલ પર ન રહેતા નેટ જગતમાં ખુલતી રહે અને વાચકોની નજર તેના પર ફરતી રહે.

વાચકો તેમની મુલાકાત દરમ્યાન ઘણી ફરમાઈશ કરતા રહે છે જો કે દરેક વખતે તો એ પૂરી નથી કરી શકાતી પણ પ્રયત્ન તો ચોક્કસ કરતા જ રહીએ છીએ.

પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે દસ લાખ વિઝિટ્સ… એ માત્ર આપ સૌને આભારી છે.

અને આ નિમિત્તે એક સંપૂર્ણ ગઝલ…

ગુલાલે ભરી છે – જયંત કોરડિયા

ક્ષણોના ઝરૂખે ગુલાલે ભરી છે,
જુઓ સાંજ ગુલમ્હોરમાં ઉતરી છે !

ભુલાતી નથી એક મઘમઘ સ્મરણની,
ગલી જે ગુલાબી ફૂલોથી ભરી છે.

તું પરબીડિયામાં નદી મોકલી દે,
તરસની સીમાએ હવે હદ કરી છે.

પ્રતીક્ષા કરી રાત ભર ડાળ-ડાળે,
પ્રભાતે ગઝલ પાંદડી પર ઠરી છે.

કિરણ પગલીઓ ઝીલવા હર ફૂલોએ,
સુકોમળ સુકોમળ હથેળી ધરી છે.

 

અને, અત્યાર સુધી ના સફર નો સારાંશ

૫ જુન ૨૦૧૧  બ્લોગને ચાર વર્ષ પૂરા…

ચાર વર્ષની યાદગાર સફર….

૬ ઓક્ટોબર ૨૦૧૦…  ૪૭૭ પોસ્ટ્સ અને  ચાર લાખ વિઝિટ્સ

આનંદની ઉજવણી ફરી એકવાર

૫ જુન ૨૦૧૦  બ્લોગ ત્રણ વર્ષનો…

આજે છે ગુજરાતી ગઝલની સફરનો ત્રીજો પડાવ

૨૦ એપ્રિલ ૨૦૧૦… ત્રણ લાખ વિઝિટ્સ

એક ઓર માઈલસ્ટોન… !

૨૨ સપ્ટેમ્બર ૨૦૦૯… બે લાખ મુલાકાતીઓ

વધુ એક મુકામ…

૫ જુન ૨૦૦૯ મારા બ્લોગને બે વર્ષ થયા…

આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ…

૧૭ ઓક્ટોબર ૨૦૦૮… એક લાખ મુલાકાતીઓ…

ગુજરાતી ગઝલ” ની સફરનો સોનરી વળાંક કે જ્યાં શબ્દ મને સ્પર્શે છે

૫ જુન ૨૦૦૭ પહેલું પગલું…

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને

 

ચાર વર્ષની યાદગાર સફર….


મિત્રો,

ગુજરાતી ગઝલની સફર જૂનની ૫ તારીખે ચાર વર્ષ પૂરા  કરીને પાંચમા વર્ષમાં પગલા માંડી રહી છે, ઉપરાંત આજે ગુજરાતી ગઝલના મુલાકાતીઓની સંખ્યા પણ 5,80,700 નો આંકડો વટાવી ગઈ છે.  ત્યારે આ ખુશી, આ આનંદ  શ્રી રશીદ મીરની આ ગઝલના માધ્યમ  દ્વારા  આપ સૌની સાથે વહેંચવી ગમશે… 

સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ.  

ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.

સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.

શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા, હું પણ પોલું તું પણ પોલ.

ભીંજેલા નયનો શોધી રહ્યા છે તારા આવવાની સંભાવના


પ્રાર્થનામાં હું માંગું છું ઉપરવાળાથી યાતના,
મુન્ત્ઝીરને આમ પણ ગમની વધુ છે ચાહના.

કડવી, મને ચૂભતી ખૂંચતી તારી યાદ છે, તારી ભાવના,
સિતમગરોની મહેફિલમાં મેં સાંભળી છે તારી નામના.

હસરતોને દફનાવી દીધી પણ હજી જીવે છે તારી કામના,
ભીંજેલા નયનો શોધી રહ્યા છે તારા આવવાની સંભાવના.

પ્રાર્થનામાં હું માંગું છું ઉપરવાળાથી યાતના,
મુન્ત્ઝીરને આમ પણ ગમની વધુ છે ચાહના

– મુન્ત્ઝીર

આ જ ગઝલ મુન્ત્ઝીર ના સ્વરે

આજે છે ગુજરાતી ગઝલની સફરનો ત્રીજો પડાવ


આજે “ગુજરાતી ગઝલ” બ્લોગ ત્રણ વર્ષ પૂરા કરે છે ત્યારે જુની ઘણી યાદો ફરી તાજી થઈ આવે છે…. ગુજરાતી સાહિત્યના વિશાળ સાગરમાંથી વીણીવીણીને અહીં આપ સૌની સાથે મનગમતી રચનાઓ વહેંચવાના આ કાર્ય બદલ મારી પીઠ થાબડવાના અને કાન ખેંચીને ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરવાના ઘણા કિસ્સાઓ બન્યા છે. અને એ દરેક વખતે મને તો કંઈક ને કંઈક શીખવા જ મળ્યું છે.

જો કે આ સાથે બીજો એક બ્લોગ “રત્નકણિકા.કોમ પર પણ આવી જ રંગની છોળો ઉડે છે… ઘણી વાર એવું બને છે ને મિત્રો કે કોઈ રચના આખેઆખી વાંચ્યા પછી એમ લાગે કે આ તો ઓછું પડ્યું… હજી કૈંક ખૂટે છે… તો ક્યારેક કોઈ એકાદ બે લાઈન સાંભળી કે વાંચીને તૃપ્તિનો અહેસાસ થાય, લાગે કે હાશ… આનાથી વધુ તો કાંઈ હોઈ જ ના શકે…

એ જ રીતે ગુજરાતી સાહિત્યને પડદા અને મંચ પર જીવંત રાખનાર ગુજરાતી નાટકો અને વિડિઓ આલ્બમ્સને માણવા માટે “ગુજરાતી વિડિઓ” ની મુલાકાત લઈ શકો છો.

મારા ગુજરાતી હોવાના ગર્વને હું મારી આવડત અને જાણકારી વડે આ રીતે વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છું અને એમાં આપ સૌનું માર્ગદર્શન મને ખરેખર ઉપયોગી નિવડશે આપ સૌનો સાથ અને પ્રોત્સાહન મને હંમેશા મળ્યા છે અને મળતા જ રહેશે એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર…

ત્રણ વર્ષની આ યાત્રા દરમ્યાન ઉડેલી અને હજી પણ સતત ઉડતી રંગની આ છોળોમાં ભીંજાવા આપને આમંત્રણ..

જય જય ગરવી ગુજરાત


સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલું આ ગીત જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ દ્વારા લખાયું છે. અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા રહેમાનની ધૂનથી તે શણગારાયું અને કિર્તી સાગઠીયાનો કંઠ પામ્યું છે….
ગીતના શબ્દો છે…

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર છે શોભા મારી
ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું ભૂમિ મારી,

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

અહીં સિધ્ધ કર્યા વ્યાપાર મેં દરિયા પાર,
ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર,
ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર,
ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર,
ગુજરાતી હું છું….

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું,
કૈંંક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે,
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે.

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત !

એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે,
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે,
હે જી રે……….

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

(અહીં આ ગીત સાંભળીને લખ્યું છે તેથી શબ્દોમાં જ્યાં પણ ભૂલ જણાય ત્યાં ધ્યાન દોરવા આપ સૌને વિનંતી)

આ સ્વર્ણિમ ગુજરાત ગીતને ગુજરાતી વિડીઓ પર માણો.

એક ઓર માઈલસ્ટોન… !


મિત્રો,

૩,૦૦,૦૦૦ મુલાકાતીઓની સાથે “ગુજરાતી ગઝલ” ની આ સફરમાં એક ઓર માઈલસ્ટોનને આંબવાનો આ અનેરો આનંદ આપ સૌની સાથે વહેંચતા ખૂબ ખુશી અનુભવું છું.

જુન ૨૦૦૭માં માત્ર ગુજરાતી ગઝલો પ્રત્યેના ખેંચાણને લઈને શરુ કરેલી આ સફર માત્ર ગઝલ પૂરતી સિમીત ન રહેતા કાવ્ય, ગીત, અછાન્દસ જેવા અનેક કાવ્યપ્રકારોના રંગનો સૌની સાથે ગુલાલ કરતી આવી છે.  આ સાથે “ગુજરાતી ગઝલ”  ત્રણ લાખ મુલાકાતીઓનો હૃદયપૂર્વક આભાર માને છે, આવકારે છે.

આપ સહુનો હમેશા સહકાર મળતો રહેશે એવી આશા સહ…

મળતાં રહીશું… ગુજરાતી ગઝલના આ બ્લોગ  ઉપરાંત બીજા બ્લોગ અને સાઈટના માધ્યમથી

તે અદભુત પળ નો ફોટો

વધુ અક મુકામ…


Manthan Logo

એક એક ડગલું ભરાતું જાય છે, આ રસ્તો કપાતો જાય છે. સમરસિયા મિત્રોના પગલા પણ સાથે જ ચાલતા જાય છે. અને આ નિરવ પગલા તરફ દ્રષ્ટિ કરતા ગઈકાલે રાત્રે સુખદ આશ્ચર્યનો ઉછાળો આવ્યો કે અહીં પગલાની છાપ ૨,૦૦,૦૦૦ નો આંકડો પાર કરી ચૂકી હતી…!

ગર્વ છે મને તમારા સૌના સાથ – મુલાકાતથી. એક પ્રયત્ન મેં કર્યો હતો કે મારી ઉંમરના વર્ગને ગુજરાતી સાહિત્યમાં રસ પડે. તે માટે બનાવ્યો બ્લૉગ… અને મને જે ગમ્યું તે લગભગ બધાને ગમશે એ માનીને અહીં પોસ્ટીંગ ચાલુ રાખ્યુ… અને આજે મારી પોતાની આગળ એ સાબિત કરવામાં હું સફળ થઈ રહ્યો છું કે રચનાઓ નવી હોય કે જુની, સિધ્ધકવિની હોય કે નવોદિતોની. મારો ખજાનો તો સાહિત્યના આ વિશાળ સાગરમાંથી વીણેલા મોતીઓથી સમૃદ્ધ થતો જ જાય છે. ચારસોથી વધુ પોસ્ટ અને બે લાખથી વધુ મુલાકાતીઓ મારા આ ખજાનાને અણમૂલ બનાવે છે…

તે અદભુત પળ નો ફોટો

2 Lakh K

%d bloggers like this: