થઈ ગયો – ‘સાહિલ’


લાગણીની ટોચ પર પહોંચ્યા ને પરદો થઈ ગયો,
એક ગરવો સાથ પળમાં ઓર ગરવો થઈ ગયો.

વાતમાં નહિતર હતો ક્યાં કાંઈ પણ વક્કર છતાં,
આપને કીધા પછી હું સાવ હળવો થઈ ગયો.

છે બહુ અપરાધ સંગીત બોલવું અહીંયાં છતાં,
આપને જોયા અને મારાથી ટહુકો થઈ ગયો.

આંખથી સ્પર્શી જીવનના અશ્વ પર વહેતાં થયાં,
ને પછી પળવારમાં હું ખુદથી અળગો થઈ ગયો.

માનું છું ‘સાહિલ’ તણખલા જેવું છે અસ્તિત્વ પણ,
જ્યાં મળ્યાં બે-ત્રણ તણખલાં ત્યાં જ માળો થઈ ગયો.

છાતીમાં મારી


છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની હાજરીમા બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય-
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

%d bloggers like this: