તમારું નોખું હું ધ્યાન રાખું


તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.

કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.

તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.

– ગૌરાંગ ઠાકર

મારું…


જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

– ‘શૂન્ય’ પાલનપુરી

ઝીણા ઝીણા મેહ


ઝીણા ઝરમર વરસે મેહ,

ભીંજે મારી ચૂંદલડી:

એવો નીતરે કૌમારનો નેહ,

ભીંજે મારી ચૂંદલડી.

 

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,

ભીંજે રસિક કોઈ બાલા રે;

ભીંજે સખી ભીંજે શરદ અલબેલડી,

ભીંજે મારા હૈયાની માળા;

હો ! ભીંજે મારી ચૂંદલડી.

 

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે ,

ટહુકે મયૂર કેરી વીણા રે ;

ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે ,

ટમકે મારા નાથનાં નેણાં ;

હો ! ભીંજે મારી ચૂંદલડી.

 

આનન્દકન્દ ડોલે સુંદરીના વૃંદ, ને

મીઠા મૃદંગ પડછન્દા રે:

મંદ મંદ હેરે મીટડી મયંકની

હેરો મારા મધુરસ ચંદા !

હે ! ભીંજે મારી ચૂંદલડી.

 

                  –  ન્હાનાલાલ

%d bloggers like this: