તારા શહેરનો વરસાદ…!


ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !

– કરસનદાસ લુહાર

વાત છે


સોયના નાકાં લગીની વાત છે,
પાતળા ધાગા લગીની વાત છે.

જિંદગીનો વ્યાપ લાંબો કૈં નથી,
આજના છાપા લગીની વાત છે.

લ્યો, ઉદાસી કેમ રેઢી મેલવી,
કાયમી નાતા લગીની વાત છે.

હું નથી મારો ને જગ છે આપણું,
પંડના થાવા લગીની વાત છે.

આપણું ઘર આવશે, આગળ ચલો,
આપણા ઝાંપા લગીની વાત છે.

એક બાકસ એકલી સળગે નહીં,
આવ, આ દીવા લગીની વાત છે.

–   શિવજી રૂખડા

%d bloggers like this: