વસંતનું પદ


કુંજડીઓ થૈ બોલે છે પડછાયા
વહી ગયેલા દિવસો કોના ઘરમાં આવ્યા ?

કોણ ક્યારનું હળથી મારી પડતર માટી ખેડે ?
અડધું ઊગે અંકુર થઈને પડધું પૂગે શેઢે
ખેતરને ભીંજવતી આજે ટહુકે કોની છાયા ?
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા…

ઝાકળ જેવી આંખો ખોલી શેઢો સસલું બોલે
આંબા ઉપર ફૂટે મંજરી સીમ ચડી છે ઝોલે
ફૂલ ફૂલમાં આભ ઊતર્યું સૂરજ થઈ છે કાયા
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા…

ઊડી ગયેલું જંગલ લઈને પંખી ડાળે આવ્યાં
વહી ગયેલા દિવસો પાછા સૂના ઘરમાં લાવ્યાં –
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા

– મણિલાલ હ. પટેલ

તારા શહેરનો વરસાદ…!


ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !

– કરસનદાસ લુહાર

%d bloggers like this: