ચાલ સખી…


ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ

વેદના તો અડીખમ ઊભો કંઠાર જતાં આવતાં જુવાળ ભલે કોતરે
સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે
છીપલાંની હોડીને શઢથી શણગાર, ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ

પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દેતા એ વાતો અકબંધ મને યાદ છે
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો અને ઉપર આકાશ જેવો સાદ છે
મૂળમાંથી ફૂટે અને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ

ઝાકળ શી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી એકવાર મૂકીએ.

– ધ્રુવ ભટ્ટ

મારી ગઝલમાં…


અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં

સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.

નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.

નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.

જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.

વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.

જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.

રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

%d bloggers like this: