વાત છે


સોયના નાકાં લગીની વાત છે,
પાતળા ધાગા લગીની વાત છે.

જિંદગીનો વ્યાપ લાંબો કૈં નથી,
આજના છાપા લગીની વાત છે.

લ્યો, ઉદાસી કેમ રેઢી મેલવી,
કાયમી નાતા લગીની વાત છે.

હું નથી મારો ને જગ છે આપણું,
પંડના થાવા લગીની વાત છે.

આપણું ઘર આવશે, આગળ ચલો,
આપણા ઝાંપા લગીની વાત છે.

એક બાકસ એકલી સળગે નહીં,
આવ, આ દીવા લગીની વાત છે.

–   શિવજી રૂખડા

લંબચોરસ ઓરડામાં


લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

– નયન દેસાઈ

%d bloggers like this: