મન મૂકી વરસ


બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ તે રીતે સ્પરશ.

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

                                                           – પુરુરાજ જોષી

ઝળહળ કર્યું


પ્હેલ પરથમ પાંખ દીધી ને પછી પીંજર ધર્યું
ચોપડે ચીતરેલ ખાતું, એ રીતે સરભર કર્યું.

પારધીના એક શરથી થઈ ગયું આહત વિહગ
ચીસથી જો કે યુગો લગ, આભ આખું થરથર્યું.

વૃક્ષની હરએક ડાળીની કરી હત્યા પછી
છાંયડાની ઝંખનાએ, એના મનમાં ઘર કર્યું.

માંડવો મધુમાલતીનો ને પથારી જૂઈની
રાત રહી પાસાં બદલતી, ને ગગન ઝરમર ઝર્યું.

ઠામઠેકાણા વિના ક્યાં ખોળવો તુજને ભલા
આમ આલય  સાવ ખાલી, આમ સચરાચર ભર્યું.

–  પુરુરાજ જોષી

તું હોઈ શકે


ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે,
રંગ રેખા કે નહીં આકાર તું હોઈ શકે.

કોઈ મારા બારણે જાસાચિઠ્ઠી નાખી ગયું,
અક્ષર તો ક્યાંથી ઉકલે લખનાર તું હોઈ શકે.

રાગ પારિજાત લ્હેરાતો રહ્યો છે રાતભર,
ક્યાંક નજદીક બેસીને ગાનાર તું હોઈ શકે.

આટલાં વ્હાલાં મને લાગ્યાં નથી પૂર્વે કદી,
આ અભાવો, પીડ મોકલનાર તું હોઈ શકે.

– પુરુરાજ જોષી

( આ રચના પૂરી છે કે અધુરી એ ખબર નથી, જો કોઈને જાણ હોય તો ધ્યાન દોરશો…)

%d bloggers like this: