જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે


જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

-આસિમ રાંદેરી

ફરમાઈશ કરનાર : નીપમ

સ્વરાંકન માનો : રણકાર.કોમ

અસિમ રાંદેરીને આખરી વિદાય


જાણીતા ગુજરાતી ગઝલકાર અસિમ રાંદેરીનું આજે મોડી રાતે ૧૦૫ વર્ષની વયે નિધન થયું હતુ,રાંદેરમાં પહેલો ગુજરાતી મુશાયરો કરનારા અસિમ રાંદેરીને કલાપી એવોર્ડ ,વલી ગુજરાતી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.’લીલા’ નામના પાત્ર પર તેમણે લખેલું પુસ્તક ‘લીલા’ ખુબજ જાણીતુ બન્યુ હતુ,

“કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે”

જેવા શેર ના રચયિતા અસિમ રાંદેરીની વિદાયથી ગુજરાતી ગઝલ ને મહામુલી ખોટ પડવાની છે

આ સાથે તેમની ખુબજ જાણીતી રચના “કંકોત્રી”

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
.                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
.                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
.                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
.                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
.                  દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
.                  કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
.                  ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
.                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
.                  કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
.                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
.                  આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
.                  ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
.                  હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
.                  એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

For Full lyrics Thanks to Mr Vivek Tailor