સામે કિનારે – મનહર મોદી


કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે,

તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં
એ હમણાં બતાવું કે કાલે સવારે ?

અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું,
કે પડછાયો મારો છે સામે કિનારે.

ઘણીવાર એમ જ ગગનમાં જઉં છું,
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે.

હવે ઉંઘ આવે તો દરિયાઓ ઢોળું,
ભલી આંખ મારા જ જેવું વિચારે.

અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે
એ જાણીને જે કોઈ આવે, પધારે.

સમય હોય ડંકા તો ચાલો વગાડો
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?

ગેરસમજણ – શૈલેન રાવલ


ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !

એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !

કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ  તું સંબધ વચ્ચે લાવ ના !

મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !

કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !

                        –  શૈલેન રાવલ

મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’


અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

અમૃત ઘાયલ

શકય હો તો, કર કદી આવી કમાલ – દિપક બારડોલીકર


શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ

એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

– દિપક બારડોલીકર

મારી ગઝલોનાં બે મૂળ.


મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.

ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.

-અમ્રુત ઘાયલ’

ખૂબ અંદરબહાર જીવ્યો છું


ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું

-‘ઘાયલ’

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,


દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.

નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.

જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.

-“ઘાયલ”

દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,


દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,
હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે.

મને સંસાર સારો શુન્ય ભાસે છે તમારા સમ,
નવાઈ છે તમોને શુન્ય મા સંસાર લાગે છે.

તમારે કાર્ય કઈ કરવુ નથી,કરવા નથી દેવુ,
દખલગીરી તમારી મીત્રો અત્યાચાર લાગે છે.

ભયંકર મા ભયંકર રોગ લાગે પ્રેમ તો સૌને,
મને અકસીર મા અકસીર એ ઉપચાર લાગે છે.

નવાઈ છે દુઃખી મા પણ્ દુઃખી છુ તોય પણ “ઘાયલ”
મને મળનાર ને મારો સુખી સંસાર લાગે છે.

-“ઘાયલ”

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે


પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

– ‘ઘાયલ’

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે


સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

– અમૃત ઘાયલ

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી


મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
વેદના કામ કરી જાય તો કહેવાય નહી

આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી…
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી

આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી…

કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને…
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી

આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે…
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી

શોક્નો માર્યો તો મરશે નહી તમારઓ આ “ઘાયલ”
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી

-“ઘાયલ”