ત્રણ ભાઈભાંડુ


માતા અમારી પૃથિવી, અમે છીએ
સંતાન એના, ત્રણ ભાઈભાંડુ .

આ સૌથી નાનું તરુ, માતથી એ
ક્ષણેય છૂટું પડતું ન, જાણે
હજી વધેરી નહિ નાળ એની !

ને અન્ય તે પશુડું, હજી એ
ચાલે ચતુષ્પાદ, ન ચાલતા શીખ્યું
ટટ્ટાર બે પાયથી, (મારી જેમ )
ભાંખોડિયાભેર ફરે ધરા બધી.

ને સૌથી મોટો હું, મનુષ્ય નામે :
ઊડી રહું આભ તણા ઊંડાણે .
હું આભનો તાગ ચહું જ લેવા.

ખૂંદી રહીએ બસ નિત્ય ખોળલો
માત તણો, મૂર્તિ ક્ષમા તણી જ :
મુંગી મુંગી પ્રેમભરી નિહાળતી
લીલા અમારી ત્રણ ભાઈભાંડુની

– પ્રજારામ રાવળ

ગુજરાતી ગઝલની SMS ચેનલ જોડાવો અને મેળવો ગુજરાતી રચના તમારા મોબાઈલ પર
http://labs.google.co.in/smschannels/subscribe/GujGazal
or
type on your mobile JOIN Gujgazal & send on +919870807070

જ્યોતિ આભની


આવો રે આવો જ્યોતિ આભની !

આ રે કાયા કેરી દીવીમાં
મારા પ્રાણની દિવેટ;
સીધી ઊભી ઉંચા મસ્તકે
સીંચી હૈયાને હેત !

આવો રે આવો જ્યોતિ આભની !

આવો અંજવાળા ઉંચા ગેબના,
મારો પોકારે અંધાર !
મીઠું રે મલકતી તેજલ ઝાળથી ,
શિરને સ્પર્શો પલવાર !

આવો રે આવો જ્યોતિ આભની !

અંધને આધાર ન્હોયે અંધનો ;
આવો અંધના આધાર,
ભાંગો ભીડેલી વજ્જર ભોગળો,
અંજવાળા કરો રે ઝોકાર !

આવો રે આવો જ્યોતિ આભની !

– પ્રજારામ રાવળ