જો દોસ્ત… – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છે
કે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે

ડર શું છે? નથી ચાલતી હિમ્મત તને માગું
એ પણ છે ખરું જે કંઈ પણ માંગું મળે છે.

મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ
ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે

ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં
એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે.

ઊગ્યો નથી ભલે ને સૂરજ મારો કદી પણ
હર સાંજના લાગ્યું છે સૂરજ મારો ઢળે છે.

પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે
પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ક્યાંક તું ને ક્યાંક હું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું
કાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું

આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા
ને ઊભા અંતરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું

ક્યાંય નકશામાં નથી ને સાથ ત્યાં રહેવું સરળ
કાળજે સાચવતા એ સ્થળ ક્યાંક તું ને ક્યાંક હું

બારણે ઊભા હશે, સૂતા હશે, ઉઠ્યા હશે
રોજ બસ કરીએ આ અટકળ ક્યાંક તું ને ક્યાંક હું

વ્યસ્ત કંઈ એવા સતત ના જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ ક્યાંક તું ને ક્યાંક હું

એકલાં છલકાઈ ને ચૂપચાપ સુકાઈ જતાં
લાગણી ખાતર થયા જળ ક્યાંક તું ને ક્યાંક હું

એકબીજામાં ધબકતા જીવની માફક સતત
આ અમસ્તા બાર કેવળ ક્યાંક તું ને ક્યાંક હું

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વાંચીએ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


સાવ મધરાતે ય કંઈ ઝબકીને કાગળ વાંચીએ
રેત પરની માછલીની જેમ વિહ્વળ વાંચીએ

શું હશે જે વાંચવું છે ને હજી આવ્યું નથી
થઈ ગયો કાગળ પૂરો ને તોય આગળ વાંચીએ

સાવ તરસ્યા આદમી પણ લાગીએ દરિયા સમા
મોકલાવેલી તમે જ્યાં એક અટકળ વાંચીએ

એ મજા છે ઓર કે બે ચાર બસ અક્ષર લખો
હોય લાંબા કાગળો ઓછા પળેપળ વાંચીએ

ચાલશે મિસ્કીન ઉપનિષદ કે છાપું કાલનું
પત્ર વિનાનું કશું પણ હોય કેવળ વાંચીએ

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ક્યાં હવે ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોઈ શું કરે ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે ?
આપમેળે દ્વાર ખુલી જાય કોઈ શું કરે ?

એ પછી સઘળું ભૂલાતું જાય કોઈ શું કરે ?
કે જો અરીસામાં ય એ દેખાય કોઈ શું કરે ?

જળપરીની વારતાથી છેક ઉપનિષદ સુધી
એક આ મનને ન ગોઠે ક્યાંય કોઈ શું કરે ?

કોઈ આવીને અચાનક કેંદ્રબિંદુ થઈ ગયું
ને એ જ છે આકાશનો પર્યાય કોઈ શું કરે ?

ક્યાંક કોઈ રાહ જોતું એ જ સંગાથે સતત
ને એ જ પાછળ દોડતું દેખાય કોઈ શું કરે ?

                                            –     રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

                                                   (સંગ્રહ – ‘છોડીને આવ તું’)