ફાગણ…!


એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો..

એ જી આંબાની મ્હોરી મંજરી, કોઈ ફાગણ લ્યો,
એવા સરવર સોહે કંજ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી દરિયા દિલનો વાયરો, કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે, કોઈ ફાગણ લ્યો…

એ જી જુગલ વાંસળી વાજતી, કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી દિન કપરો કાંઈ તાપનો, કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ઊડે કસુંબો આંખમાં, કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ગગન ગુલાબી વાદળાં, કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે, કોઈ ફાગણ લ્યો…

– રાજેન્દ્ર શાહ

શોધ…


ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શાહે ગઈકાલે તા. ૩ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ આપણી વચ્ચેથી ચિર વિદાય લીધી. એમની એક રચના જેમાં કવિએ માનવમનની અનંત દોડ અને લક્ષ્ય ન મળવાની વેદનાને વર્ણવી છે…

હજાર હજાર ઊંટની કાંધ સમું વિસ્તરેલું રણ,
શેની શોધમાં નીકળ્યો છું હું ?
પાછળ મૂકેલું મારું છેલ્લું પગલુંય ભૂંસી નાખે છે કોઈક.
અહીં ક્યાંય કેડી નથી,
સીમ નથી,
દિશા નથી,
બાધા નથી ને
ક્યાંય કોઈનું ચિહ્ન નથી.

કંઈક શોધું છું.
શોધું છું કેડી ?
સીમ ? દિશા? બાધા?
કોઈ અવશેષ ?
ખબર નથી મને.
સાવ ખુલ્લામાં જાણે ખોવાઈ ગયો છું.
સામેના વેળુઢગની પેલી પારથી આવે છે લીલું હાસ્ય,
બેની વચ્ચેનું અંતર ઘટતાં
સમયના પ્રલંબ અંતરાયની ઓળખ થાય છે,
ત્યાં છે હાથેક ઊંડો એક વોકળો,
પડખે લીલે પંખ ઊભું છે તમાલ,
નાની નજરમાં બધુંય સમાઈ જાય છે.
એની આ બાજુ ઉઘડેલા મૂળની વચ્ચે જણાય છે શ્વેત રુંડ ;
એને જ હું શોધતો હતો,
લીલાં હાસ્યના ઉગમનું આદિ કારણ.

– રાજેન્દ્ર શાહ