લખે છે – મનીષ પરમાર


કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે,
એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે.

પથ્થરોમાં કોતરાતી યાદ તારી –
દોસ્ત તારો સાદ, લીલુંછમ લખે છે.

આ હવામાં સ્પર્શ તારો સળવળે છે,
ટેરવાં, કાગળ સમું રેશમ લખે છે.

પત્ર તારો આવશે એવી દિશાથી –
રાત આખી કોણ આ શબનમ લખે છે ?

આંસુના ચળકાટમાં જીવી રહ્યો છું,
કોણ આ અમને દુ:ખો કાયમ લખે છે ?

– મનિષ પરમાર

સામે કિનારે – મનહર મોદી


કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે,

તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં
એ હમણાં બતાવું કે કાલે સવારે ?

અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું,
કે પડછાયો મારો છે સામે કિનારે.

ઘણીવાર એમ જ ગગનમાં જઉં છું,
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે.

હવે ઉંઘ આવે તો દરિયાઓ ઢોળું,
ભલી આંખ મારા જ જેવું વિચારે.

અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે
એ જાણીને જે કોઈ આવે, પધારે.

સમય હોય ડંકા તો ચાલો વગાડો
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?

ગેરસમજણ – શૈલેન રાવલ


ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !

એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !

કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ  તું સંબધ વચ્ચે લાવ ના !

મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !

કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !

                        –  શૈલેન રાવલ

હો હિંમત તો ટહુકો તું દોર


અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

– રવિન્દ્ર પારેખ

નદીયું તો આઘી ને આઘી…


જોજનના જોજનની ખેપું ખેડું ને
તોય નદીયું તો આઘી ને આઘી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી…

પાણીનું નામ જેને આપી શકાય
એવું કૈંયે નથી મારી ખેપમાં
ખોલીને પાથરું તો પથરાયેલ નીકળે
વાંસવન સુક્કા આ ‘મેપ’માં

એ સળગે કે કેમ એને ઠારું કે
સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી…

વગડાની વાટોમાં, બાવળની કાંટ્યોમાં
સૂસવતા પવનોના રાગે
પડઘાના પહાડોમાં, ખીણોની ત્રાડોમાં,
‘ખળખળ’ના ભણકારા વાગે

એક જો હોત હું ભૂવો ભરાડી
લેત નદીયું ને લાવવાની સાધી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી….

–  હર્ષદ ચંદારાણા

પ્રભુ પંચાયતમાં સ્ત્રી


ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા

જાય છે


શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.

એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.

ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.

રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?

બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.

– અનિલ વાળા

કંઈ વાત કર


એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર,
રેશમી સગપણ વિશે કંઈ વાત કર.

જે વિશેષણની પરે પહોંચી ગઈ,
એક એવી ક્ષણ વિશે કંઈ વાત કર.

આજ લગ જેના વિશે કંઈ ના કહ્યું,
એ જ અંગત વ્રણ વિશે કંઈ વાત કર.

જે થયું એ તો બધુંયે ગૌણ છે,
તું પ્રથમ કારણ વિશે કંઈ વાત કર.

આંખની ભીનાશ મેં જાણી લીધી,
આંખમાંનાં રણ વિશે કંઈ વાત કર.

– જાતુષ જોષી