રાધે બનો


મારા અંતરની વેદના જોવા 
        જરીક ! શ્યામ રાધે બનો.
મૂકી મુરલીને આંસુ લ્હોવા
        ઘડીક ક્ હાન ! રાધે બનો.

પેલા માલમુકુટ બાજુ મૂકો
        આ વેશ ધરી રાધે બનો.
રંગચૂંદડીને વેસર ઝૂકો 
        મોહનપ્યાસી રાધે બનો.

બધું ધારો તોયે નહીં પામો
        હૈયું મારું, રાધે બનો.
શ્રમ સઘળો જશે નક્કામો
        છતાંય, જરા રાધે બનો.

મને મોહનસ્વરૂપ જરી દૈને 
        પ્રીતમ ! તમે રાધે બનો.
ઘડીભરનો આ ખેલ લઈને
        રાધે-શ્યામ રાધે બનો.

            –  પિનાકીન ત્રિવેદી

તારું મધમીઠું મુખ


તારું મધમીઠું મુખ
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું
હો આમતેમ ઝૂલે
હો ઝૂલે !

કે ઘર મારું વહેલી પરોઢના પ્હેલા
ઉઘાડ જેવું ખૂલે !

મારું સામટુંય દુ:ખ
વાયુનું પગલું શું આછું
હો આમતેમ ઊડે
હો ઊડે !

કે ગંધના ઘેલા પતંગિયા જેવું
આ મન મને ભૂલે !

                                                                                       – રાવજી પટેલ

શોધ…


ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શાહે ગઈકાલે તા. ૩ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ આપણી વચ્ચેથી ચિર વિદાય લીધી. એમની એક રચના જેમાં કવિએ માનવમનની અનંત દોડ અને લક્ષ્ય ન મળવાની વેદનાને વર્ણવી છે…

હજાર હજાર ઊંટની કાંધ સમું વિસ્તરેલું રણ,
શેની શોધમાં નીકળ્યો છું હું ?
પાછળ મૂકેલું મારું છેલ્લું પગલુંય ભૂંસી નાખે છે કોઈક.
અહીં ક્યાંય કેડી નથી,
સીમ નથી,
દિશા નથી,
બાધા નથી ને
ક્યાંય કોઈનું ચિહ્ન નથી.

કંઈક શોધું છું.
શોધું છું કેડી ?
સીમ ? દિશા? બાધા?
કોઈ અવશેષ ?
ખબર નથી મને.
સાવ ખુલ્લામાં જાણે ખોવાઈ ગયો છું.
સામેના વેળુઢગની પેલી પારથી આવે છે લીલું હાસ્ય,
બેની વચ્ચેનું અંતર ઘટતાં
સમયના પ્રલંબ અંતરાયની ઓળખ થાય છે,
ત્યાં છે હાથેક ઊંડો એક વોકળો,
પડખે લીલે પંખ ઊભું છે તમાલ,
નાની નજરમાં બધુંય સમાઈ જાય છે.
એની આ બાજુ ઉઘડેલા મૂળની વચ્ચે જણાય છે શ્વેત રુંડ ;
એને જ હું શોધતો હતો,
લીલાં હાસ્યના ઉગમનું આદિ કારણ.

– રાજેન્દ્ર શાહ

મને તેં સરોવર કહ્યો…


સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ