સાજન મારો સપનાં જોતો …


સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …

– મૂકેશ જોષી

ત્યારે સાલું લાગી આવે


પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

– મુકેશ જોશી

આજે તારો કાગળ મળ્યો…


આજે તારો કાગળ મળ્યો
ગોળ ખાઈને સૂરજ ઊગે, એવો દિવસ ગળ્યો

એક ટપાલી મૂકે હાથમાં… વ્હાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી મળ્યો… આજે.

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
‘ લે મને પી જા હે કાગળ !’ પછી માંડજે વાત
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો… આજે

એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે
તારા અક્ષર તારા જેવું મીઠું મીઠું મલકે
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો…

– મુકેશ જોષી

ખોટું ન લાગે તો વાત એક કહું


ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ

-મુકેશ જોષી