તું મૈત્રી છે.


“ગુજરાતીગઝલ”ના સૌ મિત્રોને હેપ્પી ફ્રેન્ડશિપ ડે…
દોસ્તો, આમ તો મિત્રતાની વ્યાખ્યા શક્ય જ નથી પણ કૈંક થોડું ઘણું કદાચ આવી રીતે શબ્દમાં વ્યક્ત થઈ શકે… એક પ્રયત્ન કરી જોઈએ – માણીએ શ્રી સુરેશ દલાલની આ મજાની રચના.

તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
                                         તું મૈત્રી છે.

તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે, સહવાસ છે:
                                         તું મૈત્રી છે.

તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
કાયમી સંગાથ છે:
                                         તું મૈત્રી છે.

હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
                                         તું મૈત્રી છે.

તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
                                         તું મૈત્રી છે.

તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
                                         તું મૈત્રી છે.

તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
                                         તું મૈત્રી છે.

– સુરેશ દલાલ

માણસ મને હૈયાસરસો લાગે


ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે
સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે
એને ઓળખતા વરસોનાં વરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

ઘડીક સાચો લાગે ઘડીક બૂઠ્ઠો લાગે
ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે
ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે
ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે
ક્યારેક માણસભૂખ્યો લોહીતરસ્યો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

– સુરેશ દલાલ

મને ડાળખીને


એક ભૂરા આકાશની આશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો ;
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ
ઘૂઘવે પવન : વણજારો.

જાણે માછલીને જળની પિપાસા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે :
અમને તો બધ્ધું કબૂલ .

મારી સઘળી દિશાને તલાશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

– સુરેશ દલાલ

મીરાં


મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

– સુરેશ દલાલ

અનુભૂતિ


લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ…?


આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે

-સુરેશ દલાલ