ઓગળી જાજે – જવાહર બક્ષી


બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

– જવાહર બક્ષી

વાતાવરણ રહે


ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?

– જવાહર બક્ષી

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?


તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

-જવાહર બક્ષી