પ્રભુ પંચાયતમાં બાળક


હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા

પ્રભુ પંચાયતમાં સ્ત્રી


ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા