ચાલ્યા અમે – સુરેશ વિરાણી


છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે
એમ લાગ્યું ફક્ત બસ મૃગજળ સુધી ચાલ્યા અમે

છાતી ચીરીને બતાવી ના શક્યા ,તેથી જ તો
કાળજેથી નીકળી કાગળ સુધી ચાલ્યા અમે

સીંદરીની જાત છઈએ ,જાત પર જઈએ જ ને
રાખ થઇ ગ્યા ,તોય છેલ્લા વળ સુધી ચાલ્યા અમે

સાધના,સાધન અને શું સાધ્ય છે :સ્વાહા બધું
ધૂપદાની લઇ અને ગૂગળ સુધી ચાલ્યા અમે

બળ કહો કે કળ કહો કે છળ કહો,કંઈ પણ કહો
અંતમાં કહેવું પડે:અંજળ સુધી ચાલ્યા અમે

-સુરેશ વિરાણી