દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે


દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રચયિતાઃ- કૈલાસ પંડિત

હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે


હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે

તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

તમે આપ્યા છે સમ એ સમનુ થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.

દિલીપ રાવલ

આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.


કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.

કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

– આદિલ મન્સુરી