સ્મરણોનું અજવાળું – વિમલ અગ્રાવત


સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !

એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

-વિમલ અગ્રાવત

હું ય લખું બસ જરી ? – વિમલ અગ્રાવત


તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હું ય લખું બસ જરી ?

લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે,
હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે,
જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી.
હું ય લખું બસ જરી ?

શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો,
અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો,
પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
હું ય લખું બસ જરી ?

-વિમલ અગ્રાવત

હું તો આખી ને આખી ભીંજાણી.


હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી ! હું તો આખી ને આખી ભીંજાણી.
રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર.
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ?  સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;
હું તો ભીનપના ભારથી મુંજાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

-વિમલ અગ્રાવત

ધોધમાર વરસાદ પડે છે.


તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટતક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમા રુંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચુંદડી, કંગન, કાજળ, લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયે દરિયા ઝંખું ને તું ટીપે ટીપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાસા જાય ને મારું અંગ સકળ-
અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.

-વિમલ અગ્રાવત