હવે આંખોનું નામ નહીં આંખો – રમેશ પારેખ


સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે
હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન
વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોઠોમાં ઉપડતી ગહેક
જાણે બધું નજરાઇ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં
આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

                                                    –  રમેશ પારેખ 

ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ


ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
ઓઢણીએ કીધું કે : ઊડવા…
ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઇ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા
ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
ઓઢણીએ કીધું કે: ઊડવા…

                                                       – રમેશ પારેખ

ઝાડ એના પાંદડાંને પૂછે


ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

                                                –  રમેશ પારેખ

તારી ને મારી વાત…


શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

                                                       – રમેશ પારેખ

પૂછો


વાવાઝોડું પી ગયેલા આ કવિના જન્મદિવસને એક બહાનું માનીએ 

 તેમના જ શબ્દોને સ્મરીને…

પૂછો કે Penમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા

એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા

દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા

આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા

છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
પૂછો કે દર્પણોમાં હતાં બારણા, તો હા

ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા

                                                    – રમેશ પારેખ

સાભાર : www.rameshparekh.in

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં


હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…

– રમેશ પારેખ

આ ગીત ને રણકાર પર માણો

ફરમાઇશ કરનાર મિત્ર : બેલા શાહ

મને તેં સરોવર કહ્યો…


સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

જુઓ કે પથ્થરોમાં


જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?

હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .

પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .

બની છે આજ તો શણગાર મારો અમરેલી ,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું છે .

ચાલ ચરણોને પંખીઓ બની જવા દઈએ ,
એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.

– રમેશ પારેખ

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

– શ્રી રમેશ પારેખ

આ હથેળી બહુ વહેમવાળી જગા છે


આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

-રમેશ પારેખ

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?


પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું ઃ તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

—રમેશ પારેખ