જીવતર એક બગાસું.


ખાલી ખાલી હસવાનું ને સાચાં આ બે આંસુ,
નભને કેવું કોચ્યું તેં કે બાર માસ ચોમાસું.

એકલતાના અડાબીડમાં એવો તો અટવાયો ;
કે આમ ફરું તો દિશા નડે ને આમ ફરું તો પાસું.

દીવાલ ક્યાં છે ? બારી ક્યાં છે ? ક્યાં છે ઉપર નીચે ?
અંદર જેવું છે જ નહિ ત્યાં દરવાજો શું વાસું ?

આમ કરો કે તેમ કરો કે ખેડો સાત સમંદર
મઝા વગરનું કંઈ પણા કરવું ખતરનાક છે ખાસું

ઘણું કર્યું કે કશું કર્યું ના; ખરું કહું થાક્યો છું ;
લાંબી એવી તાણું જાણે જીવતર એક બગાસું.

– સુભાષ શાહ

અનુભૂતિ


લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે


હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે.

-“બેફામ”

કે મુક્ત થવું હોય તો માયા ન સમજ


દૃષ્ટિ ભલે રાખ તમાશા ન સમજ
રણ માન મગર કોઇને પ્યાસા ન સમજ
બેફામ જગત આખું છે એવી માયા
કે મુક્ત થવું હોય તો માયા ન સમજ.

-બેફામ

એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.


જિંદગી આખી રડાવ્યો છે મને – બેફામ
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બેફામ

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે


વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે;
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુ:ખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

– ‘બેફામ’

એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો


 છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો ,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

-બેફામ

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી


ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી

–બેફામ

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે


મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

-બેફામ

મને ગમશે ‘બેફામ’


મને ગમશે ‘બેફામ’
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

-બેફામ

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે


મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે

-બેફામ