મારું ઘર – ગાયત્રી ભટ્ટ


રોજ મેળો ભરાય મારે મેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
વળી ઉપરથી કોઈ રાગ રેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…

ક્યાંક છમછમ સૂણું તો ક્યાંક વેણુ
હવે મીઠું લાગે છે મને મે’ણું
કોઈ ગમતીલું રમતીલું છેડે
રે સૈ ! મારું ઝાંઝર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું
મને એવું ગણતાં ન જરી ફાવ્યું
અહીં ટીપું છલકાય આપમેળે
રે સૈ ! મારું અંતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

મારા મેડા પર આભ ઝૂકી જાતું
મને ચાંદરણું લાગ રાતું રાતું
હાય ! રાજગરો રાતે છંછેડે
રે સૈ ! મારું ભીતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

– ગાયત્રી ભટ્ટ

ઇમારત – ચિનુ મોદી


એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી
એની નથી જ જડતી કૂંચી –

કઈ સદીઓથી હવા બંધ છે
દીવાલ વચ્ચે કેદ;
અંધારાએ સંતાડ્યા છે
કૈંક જનમના ભેદ –
પડછાયામાં હોડી ડૂબી
વાત મને એ ખૂંચી
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…

બંને પાંખો વીંઝી પંખી
નભ લગ પહોંચે રોજ
મેં કૂંચીનું પૂછ્યું તો કહે
એ જ ચાલતી ખોજ
હાથવગી કૂંચી બનતી તો
વધે ઇમારત ઊંચી
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…
– ચિનુ મોદી

ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ – નિરંજન રાજ્યગુરુ


ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

તું થઈ જાજે પંખી ને હું સરસ મજાનો દાણો
ચાદર થાશું કબીરાની, તું તાણો ને હું વાણો
અરસ પરસ અદ્વૈત રચીને એક બીજાને ગમીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

કાં થાઉ રેશમનો ગોટો, તું થાજે ચિનગારી
અજવાળાં ઝોકાર મિલનની અદભુત અપરંપારી
હું હું તું તું આજ મટાડી, અંદરથી ઓગળીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

શબદ અરથ, નભ વીજળી, મુરલી ફુંક તણા સૌ ખેલ
મધમાખી થા મધુરસ લેવા, સાચો ઈ જ ઉકેલ
પવન આગ, શું પવન ગતિ, શું પવન ગંધ સંબંધીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

વાંસ તણો કટકો તુજ હોઠે, શ્વાસ કૂંક ઝટ ભારી
નાદ સૂરીલો સાંભળશે આ જગના સૌ નરનારી
બે ધાતુ પ્રજળાવે, જોડે, એવી ધમણ્યું ધમીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

ઝૂક્યો છે… – હેમંત ગોહિલ ‘મર્મર’


વાયરાએ ડાળને કૈં પ્રશ્ન પૂછ્યો છે,
છાંયડો પણ પાંદડાનો સહેજ ઝૂક્યો છે.

સૌ કણાંના જાણતલનું એમ કહેવું છે,
છોકરીની આંખમાં વંટોળ ઘૂસ્યો છે.

ત્રાગડામાં ખૂબ વીંટી સ્વપ્ન કુંવારા,
પીપળો વારાંગનાએ આજ પૂજ્યો છે.

ન્યૂઝ દૂધિયા રંગથી અખબારમાં છાપો,
એક ડોસાને સવારે દાંત ફૂટ્યો છે.

ઠેક આપી જાય છે કાયમ નજર મીઠી,
એમ કૈં ઝૂલો અમસ્તો રોજ ઝૂલ્યો છે !!

હસ્તરેખાને બદલવા હોય બીજું શું ?
મેં જ મારા હાથને લ્યો, આજ ચૂમ્યો છે.

આમ નહીંતર શ્વાસ રાતાચોળ થૈ જાતાં ?
છોડ મહેંદીનો ખરેખર ક્યાંક ઊગ્યો છે !!

– હેમંત ગોહિલ ‘મર્મર’

પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુક્લ


કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?

ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?

–  રાજેન્દ્ર શુક્લ