કોણ ચાહે છે તને ? – હર્ષ બ્રહ્મભટ્ટ


શું કરીશ જાણી ખરેખર કોણ ચાહે છે તને ?
તુંય જાણે છે નિરંતર કોણ ચાહે છે તને ?

તે છતાં કેવળ કરુણા-પ્રેમ વરસાવે સતત,
આ જગતમાં બોલ ઇશ્વર કોણ ચાહે છે તને ?

હા, ઘડી કે બે ઘડી જોવો કિનારા પર ગમે,
એ કહે હરપળ સમંદર કોણ ચાહે છે તને ?

ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગ,
પણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને ?

નામ ઝળહળતું બધાના હોઠ પર રમતું છતાં,
જાય જો વીતી એ ઉંમર કોણ ચાહે છે તને ?

ને નથી જો કોઈ પણ હા ચાહતું જો ‘હર્ષ’ તો,
કૈંક જન્મોથી જીવનભર કોણ ચાહે છે તને ?

– હર્ષ બ્રહ્મભટ્ટ

સમજાય છે


શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે,
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે.

રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંઝિલ હવે અટવાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દાય છે


આભમાં જ્યાં વાદળો ઘેરાય છે,
માટીને મન ફૂટું ફૂટું થાય છે.

મ્હેક વરસાદી લઈને આ પવન,
લોહીમાં સીધો પ્રવેશી જાય છે.

વાદળી વરસ્યા વગર મુજ આંખથી,
લો, હૃદયમાં પાછી ચાલી જાય છે.

દેહમાં પણ વીજ ચમકી  જાય છે,
બીજ જેવું ગીત રે વેરાય છે.

જે ક્ષણે સૌ શબ્દ થીજી જાય છે,
એ ઘડીમાં મૌન બસ શબ્દાય છે.

આંખમાં આવ્યાં નથી એ આંસૂઓ,
લો, જુઓ દરિયા સુધી રેલાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ