મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ


મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,
ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ.

સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.

આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
વાતાવરણ જો હોય તો વાતાવરણનો અર્થ ?!

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ ?

નિષ્ઠુર છું – હું ચાહું તો તો હમણાં હસી શકું,
પણ એમાં દિલ ન લાગે તો શું આચરણનો અર્થ?

છૂટા પડી ગયા તો સમજદાર થઇ ગયા,
સમજી ગયા કે શું હતો એકીકરણનો અર્થ.

સ્વપ્નાની વાત કોઇને કહેતા નથી હવે,
સમજી ગયા છે ‘સૈફ’ હવે અવતરણનો અર્થ.

-‘સૈફ’ પાલનપુરી

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે


ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે

-સૈફ’ પાલનપુરી

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ


પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.

હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.

નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ.

મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.

જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.

સ્વપ્ન નો’તું – છતાં જઇને ભેટી પડ્યા,
‘સૈફ’થી ભૂલ કેવી સખત થઇ ગઇ

-‘સૈફ’ પાલનપુરી

શાંત ઝરુખે વાટ નિરતી રૂપની રાણી જોઇ હતી


શાંત ઝરુખે વાટ નિરતી રૂપની રાણી જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી.

એના હાથની મ્હેંદી હસતી’તી,
એના આંખનુ કાજલ હસતું’તું,
એક નાનું અમથું ઉપવન જાણે
મોસમ જોઈ વિકસતું’તું.

એના સ્મિતમાં સો સો ગીત હતાં
એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયા ની હતી લગન
એને પગરવ સાથે પ્રીત હતી.

એણે યાદના અસોપલવથી
એક સ્વપન-મહેલ શણગાર્યો’તો;
જરા નજર ને નીચી રાખને
એણે સમયને રોકી રાખ્યો’તો.

એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહેરાતી’તી,
કોઈ હસીને સામે આવે તો
બહુ પ્યારભયુઁ શરમાતી’તી.

એને યૌવનની આશીષ હતી
એને સર્વ બલાઓ દૂર હતી;
એનાં પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતૂર હતી.

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે
ત્યાં ગીત નથી-સંગીત નથી-ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સ્વપ્નાંઓનાં મહેલ નથી ને ઊમિઁઓના ખેલ નથી,

બહુ સુનું સુનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે,

એ નો’તી મારી પ્રેમિકા કે નો’તી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરુખે વાટ નીરખતી જોઇ હતી,
કોણ હતી એ નામ હતુંશું? એ પણ હું ક્યાં જાણું છું,
તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,

બહુ સૂનું સૂનું લાગે છે
લાગે છે એવું કે જાણે
હું પોતે લૂંટાઈ ગયો
ખુદ મારું ઘર બરબાદ થયું.

-‘સૈફ’ પાલનપુરી

ને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકો


સવારે શિશુની જેમ દોડી જાય છે તડકો
ને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકો

જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું
તમારું નામ લઈને અંદર આવી જાય છે તડકો

બહુ શરમાળ છે થઈ જાય છે એ ચાંદની જેવો
જો રાતે સહેજ અંધારામાં લપસી જાય છે તડકો

ઘણાં એવાંય ઘર છે જ્યાં જરૂરત પણ નથી તોયે
બહુ નફ્ફટ બનીને રોજ પહોંચી જાય છે તડકો

રખડતો જીવ તો છે પણ-સ્વભાવે બહુ સ્વમાની છે
અમુક ઘરના તો ઉંબરામાંથી ભાગી જાય છે તડકો

હજારો વર્ષ વિત્યાં તોય શિષ્ટાચાર ના શીખ્યો
કોઈ બોલાવે, ના બોલાવે આવી જાય છે તડકો

જગતની ભીની ઝૂલ્ફોનાં રહસ્યો એ જ જાણે છે
વીતી છે રાત કઈ રીતે એ વર્તી જાય છે તડકો

કોઈ રોનકભર્યાં ખંડેરમાં જઈ “સૈફ” જોઈ આવો
બહુ જો થાક લાગે તો બેસી જાય છે તડકો.

-‘સૈફ’ પાલનપુરી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે


અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

‘સૈફ’ પાલનપુરી

જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું


કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું.

સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઈ સુમન જેવું.

કોઈ જો સહેજ છેડે છે તો એ શરમાઈ જાય છે,
તમે દિલમાં વસ્યાં તો થઈ ગયું દિલ પણ દુલ્હન જેવું.

તમે રિસાતે ના તો પાનખરનો ક્રમ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સજાવ્યું’તું ચમન જેવું.

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મ્રુત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.

‘સૈફ’ પાલનપુરી

એક દી’ એમણે પોતે જાતે કહ્યું


એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રીસ્તો કદી,
એ જ સમજી શકે એ જ જાણી શકે.

કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

સૈફ’ પાલનપુરી

પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા


છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો લઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

-‘સૈફ’ પાલનપુરી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી


આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

‘સૈફ’ પાલનપુરી

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ


ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં;
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં?

થોડાક ખુલાસા કરવા’તા થોદીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંજિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમીસાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.

જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા!

-‘સૈફ’ પાલનપુરી