ના પૂછ તું – વંચિત કુકમાવાલા


આ ચરણથી રેતના સગપણ વિષે ના પૂછ તું,
શ્વાસમાં તરતા અફાટી રણ વિષે ના પૂછ તું.

રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને,
એ અભાવોના નીકળતા, ધણ વિષે ના પૂછ તું.

સાવ સીધા માર્ગ પર, ડગલુંય મંડાતું નથી,
ભીતરી અવઢવ અને અડચણ વિષે ના પૂછ તું.

જળ અને જળની છટાઓ લે, ગણાવું હું તને ,
પ્યાસની મારી સફળ સમજણ વિષે ના પૂછ તું.

મેં મને ધાર્યો હતો એવો ન નીકળ્યો ક્યાંય પણ,
જાત આખી જોઈ એ દર્પણ, વિષે ના પૂછ તું.

જે મળે એને હયાતીનો પૂછે છે અર્થ એ,
દોસ્ત ‘વંચિત’માં ઉછરતા જણ વિષે ના પૂછ તું.

- વંચિત કુકમાવાલા

હોય છે – મકરંદ મુસળે


વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.

લે, કપાયા દુ:ખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.

સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ,
જૂઠ ખાલી વાર જેવું હોય છે.

છેડવાથી શકય છે રણકી ઉઠે,
મન વીણાના તાર જેવું હોય છે.

ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.

ના કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે.

                         - મકરંદ મુસળે

હરિ આવ્યા – ભરત વિંઝુડા


બેઉ આંખો મેં કરી બંધ ને હરિ આવ્યા
એક દી’ થઈ ગયો હું અંધ ને હરિ આવ્યા

બેઉ પંક્તિની વચોવચ કશુંક બબડ્યો હું
દૂર મૂકી દઈને છંદ ને હરિ આવ્યા

એક બે દુ:ખની ઉપર ખડખડાટ હસવામાં
આવ્યો કંઈ એટલો આનંદ ને હરિ આવ્યા

જોઈ જોઈને બીજાના ગુનાહ શું કરવું
કે સ્વયમને જ દીધો દંડ ને હરિ આવ્યા

સૌ પ્રથમ દ્વાર ઉપર આવીને ઊભા સાધુ
ને પછી આવ્યા કોઈ સંત ને હરિ આવ્યા

- ભરત વિંઝુડા

ધાર્યા કરતા વહેલી થઈ ગઈ – મિલિંદ ગઢવી


ધાર્યા કરતા વહેલી થઈ ગઈ
જાત સદંતર મેલી થઈ ગઈ

મેં હસવાનું શીખી લીધું
દુનિયાને મુશ્કેલી થઈ ગઈ

ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા
સમજણ સાથે રેલી થઈ ગઈ

બે ફળિયાએ પ્રેમ કર્યો તો
વંડીમાંથી ડેલી થઈ ગઈ

દર્પણમાં એવું શું જોયું ?
ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ

- મિલિંદ ગઢવી (ગ.મિ.)

સખી સુખનું સરનામું – ઇસુભાઈ ગઢવી


સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય
સખી સમજણ તો લાગણીનું સગપણ કહેવાય

મટકાભર આંખથી ઓઝલ થવાય પછી મટકું મરાય તો કહેજો
અંદર ને અંદરથી આઘા જવાય પછી ઓરા થવાય તો કહેજો
ભીતરના ઓરડાની એવી ઓકાત ના બારા જવાય ના અંદર રેવાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય

સાત સાત દરિયાઓ સામે છલકાય તોય છાંટો પીવાનું થાય મન ?
આંગણે ને ઓસરીમાં ઉગેલા હોય તોય વ્હાલા ન લાગે થોર વન
હોય જીવતરના વગડામાં ઉઘાડી પાનીયું તોય સંતાપો હરખાતા હૈયે જીરવાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય

પીડાના પહાડ ક્યાંય પથરાતા ન્હોય પણ પીડાઓ પહાડ જેવી હોય
વ્હાલપના મધપૂડા ઉછરતા હોય તો દુ:ખિયારા ડંખ ક્યાંક હોય
ક્યાંક તનથી મળાય ક્યાંક મનથી મળાય એમ મળવાની નદીયુંમાં મોજથી તરાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય

કુંડળીઓ મળવાથી મનના મેળાપની શક્યતાઓ હોય ના સાચી
આખો હરખાય એટલે હૈયું હરખાય ? એવી ધારણાઓ હોય સાવ કાચી
લીલાંછમ ચોમાસા ઓળઘોળ થાય તોય પાનખર આવે તો પ્રેમે પહેરાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય

સૂકા દુકાળનાં તો કારણો કળાય પડે લીલા દુકાળ એનું શું ?
હોળીયુંની ઝાળ તો જીરવી જવાય ઉઠે હૈયે વરાળ એનું શું ?
કાળજાને કાપવાના કરવત ન હોય એ તો ફૂલ જેવી વેદનાની વાતે વહેરાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય

સટ્ટાખોર વાણિયો – પ્રેમશંકર ભટ્ટ


સટ્ટાખોર વાણિયો મુંબઈમાં રહેતો,
દાડી દાડી હનુમાનને હાથ જોડી કહેતો;

“અંતરયામી બાપ તમે જાણો મારી પીડ,
પાંચસો જો અપાવો તો ભાંગે મારી ભીડ,

પાંચસો જો અપાવો તો પાઠ પૂજા કરું,
શનિવારે પાઈ પાઈનું તેલ લાવી ધરું.”

એક દાડો હનુમાનને એવી ચડી ચીડ,
પથ્થરમાંથી બેઠા થયા, નાખી મોટી રીડ

“પૂજારીનો ઓશિયાળો ખાવા દે તો ખાઉં,
કેમ કરી ભૂંડા હું તો તારી વહારે ધાઉં ?

પાંચસોને બદલે આપે પાઈ પાઈનું તેલ,
પૂછડું દેખી મૂરખ મને માની લીધો બેલ ?

પાંચસો જો હોય તો તો કરાવું હું હોજ,
ભરાવું ને તેલ, પછી ધૂબકા મારું રોજ.”

- પ્રેમશંકર ભટ્ટ

મારા મામા પાસેથી આ ઘણીવાર સાંભળેલું… અને સાંભળીને ખુબ હસવું પણ આવતું.. આજે એક કઝીને આ યાદ કરાવ્યું એટલે ડાયરી ખોલીને અહીં ઉતાર્યું…

જો દોસ્ત… – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છે
કે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે

ડર શું છે? નથી ચાલતી હિમ્મત તને માગું
એ પણ છે ખરું જે કંઈ પણ માંગું મળે છે.

મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ
ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે

ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં
એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે.

ઊગ્યો નથી ભલે ને સૂરજ મારો કદી પણ
હર સાંજના લાગ્યું છે સૂરજ મારો ઢળે છે.

પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે
પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,206 other followers

%d bloggers like this: