ગઝલ લખજો – મનહર મોદી


હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.

અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.

– મનહર મોદી

એમ થાતું કે –


વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને
મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે,
મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,
મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા
દોડતા આગળ થાય.
ગામને ઝાંપે આંબું ઘરની ભૂલું કેડી.
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી,
બારીએ બેઠી હોઉં ને
ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે
ઊછળે છાતી : છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;

ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં
સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો કહેણ.
દનના જુંગર ઉતરી આવે રાતના અબોલ કહેણ.
ઉંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.
વન વચોવચ ખેત ઊભાં ગામ વચોવચ મેડી.

– માધવ રામાનુજ

ભીંજાવું


બંસરીના સૂરમાં ભીંજાવું
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

બંસરીના સૂર આંખ મીંચીને સાંભળું ત્યાં,
આછું અડકે મોરપીંછું.
પીંછાનાં રંગો તો સાત સાત સૂર અને
સૂર મહીં મેઘધનુષ દીઠું,
આવું રે કરે ને વળી પોતે સંતાઈ રહે
મારે ક્યાં રે રહેવું ને ક્યાં જાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

લોક કહે છે આ જોગણ વેરાગણ રે
સઘળું છોડીને આ તો હાલી,
જોગ ને વેરાગ બેની હું રે શું જાણું
મને લાગે છે વાંસલડી વાલી.
વ્હાલપનો સાગર છલકાય બ્હાર અંદર, હું
છાલકને ક્યાં રે સમાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

                                                                 – નયના જાની