હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ


હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાઈ નહીં !

– ભગવતીકુમાર શર્મા

સાભાર : રણકાર.કોમ

પલળવું જોઈએ


પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;
છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.

એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ;
તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.

સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયું;
સૂર્યને માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ;

માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?
પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.

છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ ;
પણ નવી રેખાઓ ચીરીનેય મળવું જોઈએ.

માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શો ?
છે રગોમાં લોહી તો લોહી ઊકળવું જોઈએ.

આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;
ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

– ભગવતીકુમાર શર્મા

માણસ – ભગવતીકુમાર શર્મા


આજે શ્રી ભગવતીકુમાર શર્માનાં જન્મદિવસે માણો એમની અદભુત રચના

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

– ભગવતીકુમાર શર્મા

વધુ રચના માણવા જોડાઓ  ભગવતીકુમાર શર્માની ઓરકુટ કોમ્યુનીટી