ચોમાસું


લીલાછમ પાંદડાએ મલકતા મલકતા
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઈ ફૂંક
ધરતી સાંભળતા સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઈ કુક

આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઈ યાદ…

ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે

ધરતીને તરણા ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉન્માદ …

– મુકેશ જોષી

ત્યારે સાલું લાગી આવે


પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

– મુકેશ જોશી

હું થોડા દિવસ હવે તારામાં રહું?


ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

– મૂકેશ જોશી