હોય છે – મકરંદ મુસળે


વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.

લે, કપાયા દુ:ખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.

સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ,
જૂઠ ખાલી વાર જેવું હોય છે.

છેડવાથી શકય છે રણકી ઉઠે,
મન વીણાના તાર જેવું હોય છે.

ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.

ના કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે.

                         – મકરંદ મુસળે

જુઓ કે પથ્થરોમાં


જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?

હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .

પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .

બની છે આજ તો શણગાર મારો અમરેલી ,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું છે .

ચાલ ચરણોને પંખીઓ બની જવા દઈએ ,
એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.

– રમેશ પારેખ

અનુભૂતિ


લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

શકય હો તો, કર કદી આવી કમાલ – દિપક બારડોલીકર


શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ

એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

– દિપક બારડોલીકર

હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે


હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે

તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

તમે આપ્યા છે સમ એ સમનુ થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.

દિલીપ રાવલ

તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….


ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….

વાદળા ઓ ને જોતો ગયો,


વાદળા ઓ ને જોતો ગયો,
મન ને સાથે લેતો ગયો.

એક નવો જ સંબંધ બંધાયો,
એમજ બીજા માટે જીવવાં નો.

જીવન પોતાના મટે તો જીવાય,
પણ બીજા માટે નો આનંદ જ જુદો.

હૈય ને બધાને સાથે લેતા જઇએ,
દુઃખ લઇ ને સુખ આપતાં જઇએ.

જેટલાં ગાઢ એટલાં ઊંડા થતાં જાય,
જાણે નવા જ સંબંધ થયા હોય એવા.

સંબંધ સાચવાં નવાં-નવાં ખેલ થય,
સંચવાય કે નહિ એ તો પછીની વાત.

એટલે જ કહુ છું તને એ ‘દમન’,
જેટલાં છે એટલાં સાચવ તોય બસ

-‘દમન’

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

– શ્રી રમેશ પારેખ