અનુભૂતિ


લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

ડરે છે જ શાને?


સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?

પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?

ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?

સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?

ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?

– સુનીલ શાહ

હોય સાથે છતાં હું પડી એકલી


હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી

રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી

કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી

ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી

– સુનીલ શાહ

તમે પૂછશો નહી કે અમને કેમ છે


“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

સપનામાં તો બધા જીવે છે


સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?

સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!

બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!

આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !

હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !

-સર્વદમન

ઉપાલંભ…!!!


ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…

હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…

એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…

યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…

તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને લોક વદન કહે છે…

ખર્યા નથી કદીયે એક પણ સિતારા…. ‘અંકુર’
ને..એ…મુઠભર કુદરત ને લોક ગગન કહે છે…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

આરજુ….!!!


તમારી યાદને બસ હું દિલથી ભુલાવી ના શક્યો..!
ને…! દિલ ની દુનીયાને ફરીથી વસાવી ના શક્યો…!!

ખબર તો હતી જ કે ત્યાં નથી કોઈ મંઝિલ મારી…
…પણ મારી એ રાહ ને હું બદલાવી ના શક્યો…!

તમારી આ… યાદે… તો કેટલા કર્યા છે બેહાલ અમને ..!
કે ખુદ મારા જ પ્રતિબિંબ ને હું જ પિછાણી ના શક્યો !!!

આમ તો , સામે જ વેરાણું હતુ આંસુઓનુ સમંદર …..
લાચાર હતો, મારી જ પ્યાસ ને હું બુઝાવી ના શક્યો

આમ તો હતી ઘણી જગ્યા આ નાનકડા દિલમાં…
પણ બે બુંદ તમારા પ્રેમના હું સમાવી ના શક્યો…

કે અશ્રુ વાટે વહેવડાવી દીધા મે તમને…’અંકુર’
દિલમાં તો શું ? બે ક્ષણ આ નયન માં પણ વસાવી ના શક્યો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’