ગાન થવાનું – શ્યામ સાધુ


હોવાના પર્યાયતણું જો ભાન થવાનું,
શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું !

ટેકરીઓના વાતા પવનો જોયા કરજો,
આકાશી રસ્તા પર તમને માન થવાનું !

સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા,
કોને કહેવું ? કોનું અહીં બહુમાન થવાનું !

પાછી પેલી ઋષિજન જેવી વાત કહું લો,
મીઠું મીઠું મૌન મહીં પણ ગાન થવાનું !

અગધ-પગધના રસ્તે ‘સાધુ’ ચાલ્યા કરજો,
સંતો કહે છે: કોલાહલમાં ધ્યાન થવાનું !

– શ્યામ સાધુ

બની જા ! – શ્યામ સાધુ


અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા !

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા !

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા !

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા !

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા !

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા !

– શ્યામ સાધુ

તારી યાદ – શ્યામ સાધુ


આજે ય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.

હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.

મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.

કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.

મારી ઉદાસ રાતના કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.

-શ્યામ સાધુ

મોસમ રડી છે


ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

– શ્યામ સાધુ