એ રીતે – ભરત વિંઝુડા


એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !

હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !

જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !

– ભરત વિંઝુડા

હરિ આવ્યા – ભરત વિંઝુડા


બેઉ આંખો મેં કરી બંધ ને હરિ આવ્યા
એક દી’ થઈ ગયો હું અંધ ને હરિ આવ્યા

બેઉ પંક્તિની વચોવચ કશુંક બબડ્યો હું
દૂર મૂકી દઈને છંદ ને હરિ આવ્યા

એક બે દુ:ખની ઉપર ખડખડાટ હસવામાં
આવ્યો કંઈ એટલો આનંદ ને હરિ આવ્યા

જોઈ જોઈને બીજાના ગુનાહ શું કરવું
કે સ્વયમને જ દીધો દંડ ને હરિ આવ્યા

સૌ પ્રથમ દ્વાર ઉપર આવીને ઊભા સાધુ
ને પછી આવ્યા કોઈ સંત ને હરિ આવ્યા

– ભરત વિંઝુડા

કેવળ જાણવું છે – ભરત વિંઝુડા


સહેજ મારે તારા જેવું પણ થવું છે
લાવ તારી જીભ મારે બોલવું છે

જેમ તું મારા જ હાથેથી લખે છે
એમ મારે તારી આંખે વાંચવું છે

આપણે સાથે ઊભાં છીએ ગગનમાં
ધરતી પર આવી અને પણ ચાલવું છે

જે ઘડી મારું ઘડી તારું જ લાગે
ચિત્ર એવું એક સાચું દોરવું છે

તું નદી ક્યાં, એક પાણીનું ટીપું છે
જેમાં રજકણ થઈને મારે ડૂબવું છે

તું ભીતરમાં છે તો સામે કઈ રીતે છે
આટલું અધ્યાત્મ કેવળ જાણવું છે

                                 – ભરત વિંઝુડા

હું ગઝલ જેવું લખું ! – ભરત . વિંઝુડા


હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

હોય તારા નામનાં ઘેરાયેલાં કંઇ વાદળો
હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ મહીં
ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

ક્યાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં
અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

તું અને તે આ અને પેલું બધું અંદર ઘૂમે
થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

                                              – ભરત વિંઝુડા

સ્પર્શાય નહીં !


તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

– ભરત વિંઝુડા

સાભાર : ‘તને બોલાવું‘ પરથી કવિની એક અપ્રગટ રચના

સપનામાં આવશો


સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો

જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો

ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો

ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર
અફસોસ કે નગરના નકશામાં આવશો

પહેલી પસંદગી છો તો એ મુજબ રહો 
બહુ દુ:ખ થશે તમે જો અથવામાં આવશો.

– ભરત વિંઝુડા

બાકી છે…


ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

– ભરત વિંઝુડા

મન થઇ જાય છે – ભરત વિંઝુડા


ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

– ભરત વિંઝુડા

નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !