આમ શાને – હેમેન શાહ


આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

– હેમેન શાહ

ગેરસમજણ – શૈલેન રાવલ


ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !

એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !

કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ  તું સંબધ વચ્ચે લાવ ના !

મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !

કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !

                        –  શૈલેન રાવલ

અક્ષરો પર ચોંટેલી સંવેદના


આકાશમાં તરતા પીંછા પર
પ્રતિપદા ઝિલાય
ને યાદ આવે રણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
આથમતા સૂર્યમાં
ને માણેકઠારી રાતના ચંદ્રમાં
કશો ફેર ન હોય.
અચાનક ખંડમાં એક ભ્રમર પ્રવેશી
ગુંજન મુકી
બારી બહાર ચાલ્યો જાય
ત્યારે પણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
દીવાલોનું કંપન
પર્ણોના ઝિંઝિંકારમાં ઝમે છે
રાતદિન
લાલ ધૂળ ઊડે છે ચોમેર
તેમાં દટાય શહેર
ઘર
પથ્થર
શ્રાવણનું મનગમતું ફૂલ
આસોપાલવની ઝૂલ
પથ્થર
હું

-મહેશ બાલાશંકર દવે

ચાહત તમારી…


આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….

ધરમ પ્રજાપતિ

જીવન જીવતાં જઇએ સાથે


જીવન જીવતાં જઇએ સાથે,
પ્રેમ અને લગણી વધરતાં જઇએ.

બધાંને સાથે લેતાં જઇએ,
રહીગયા તેને સલામ કરતાં જઇએ.

દુઃખનાં વાદળા હટાવતાં જઇએ,
સુખનો દરીયો છલકાવતાં જઇએ.

જરમ-જરમ ખોટું લગડતાં જઇએ,
ધોધમાર પ્રેમ વરસાવતાં જઇએ.

અત્યારે મન ભરીને જીવી લઇએ,
મરણતો આવે ત્યારે વાત.

તને શું કહું એ ‘દમન’,
જીવતો જા બસ જીવતો જા.

-સર્વદમન

મિત્ર…!!!


દુખ વિષય પર એક નિબંધ લખવા બેઠો…
બહુ વિચાર્યુ …ના કાં ઇ સુજ્યુ…
હાય ….રે…નિબંધ…અધુરો રહ્યો..
એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી….
હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

જો દરેક સમયે સંબંધમાં


જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય તો
સમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.

-સર્વદમન

તું કેમ છે ઉદાસ ???


સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….

જીવનમાં મિત્ર ના હોત તો !


જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?

મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.

મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.

મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.

મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.

મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.

એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.

-સર્વદમન