એણે કાટો કાઢીને


એણે કાટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફરર દઈ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

– વિનોદ જોશી

મને ડાળખીને


એક ભૂરા આકાશની આશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો ;
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ
ઘૂઘવે પવન : વણજારો.

જાણે માછલીને જળની પિપાસા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે :
અમને તો બધ્ધું કબૂલ .

મારી સઘળી દિશાને તલાશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

– સુરેશ દલાલ

મીરાં


મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

– સુરેશ દલાલ