પવન ! એમના ઘર તરફ – શોભિત દેસાઈ


સૂરીલા બની જાશે સઘળા અવાજો,
દરેક ગીત એને ઉદ્દેશીને ગા જો !

જે આવ્યા હો લાંબી સફરમાંથી એને,
ચહેરાના આશ્ચર્યનું ઘેન પાજો.

દરેક પર્ણને સૂર્ય સાક્ષાત ચૂમે,
કરે દર સવારે શરદ ખેલ તાજો.

તમારામાં સંદેશા વહેતા મૂકું છું,
પવન ! એમના ઘર તરફ થઈને વાજો.

ન ગમતું બને કે કંઈક કે તત્ક્ષણે આ,
અધર વાંકા કરવાની એની અદા જો !

ઘણાં વર્ષે એણે કહેણ મોકલ્યું છે,
મને થાય છે, તોડી નાખું રિવાજો.

– શોભિત દેસાઈ

પાણીના ટીપે ઘાસમાં જઈએ


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,


વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

પાણીના ટીપે ઘાસમાં જઈએ


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય


વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે


ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે,
ને રડે તો શબ્દનું ઉપરાણું લેવું પણ પડે.

આખરી ઈચ્છા જો નિર્મળ જળ થવાની હોય તો,
પથ્થરોની વચ્ચે થઈને એણે વહેવું પણ પડે.

કંપ ભીતરના જ તો ભારે ભયાનક હોય છે,
જણ હો સાંગોપાંગ એક બહુમાળી જેવું, પણ પડે.

ચાહવાનો વણલખ્યો એક જ નિયમ છે દોસ્તો !
લાગણીના સાવ ચંચળ સ્તરને સહેવું પણ પડે.

પ્રાર્થનાના આર્તનાદ ઉપર સુધી પહોંચ્યા તો છે,
શક્ય છે કે આ વખત વરસાદ જેવું પણ પડે.

કેવી છે રફતાર ! ચિંતા છે સફરમાં શું થશે !
કાચબાની પીઠ ઉપર રાત રહેવું પણ પડે.

કોઈ ક્ષણ પર જિંદગી એવો દગો દઈ દે કદાચ !
ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે એને દેવું પણ પડે.

-શોભિત દેસાઈ

કહી દીધું ખરેખર સ્પર્શને : આજે ઝૂકીશું નહિ


કિરણ આવ્યાં તો અંઘારા કરમ ઓગાળવા આવ્યાં,
આ ઝાકળ શાને પોતાના જનમ ઓગાળવા આવ્યાં !

કહી દીધું ખરેખર સ્પર્શને : આજે ઝૂકીશું નહિ,
છુઈમુઈનાં પર્ણો જો ! શરમ ઓગાળવા આવ્યાં.

હતી એક જ શરત આખી સફરની, સાહજીક બનવું,
સમજ જે આ લઈ આવ્યા ભરમ ઓગાળવા આવ્યા.

અમારે દેવ-દેવી, દોરા-ધાગા, સુખ ને દુ:ખ છે પ્રેમ,
ખરાં દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યા.

અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં ?
તમારી પાસે આવ્યા તો અહમ્ ઓગાળવા આવ્યા.

-શોભિત દેસાઈ

શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે


શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે

હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

-શોભિત દેસાઈ

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું


મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

– શોભિત દેસાઈ