ચાલ સખી…


ચાલ સખી, રણમાં ગુલાબને ઉગાડીએ
આવળનાં ફૂલ પીળા લઈને નસીબમાં
જીવતરની વેણી ગૂંથાવીએ
ચાલ સખી….

હાથવગું હોય નૈ ઝાંઝવાનુંય સુખ ને,
રેતીનાં ઢગ મારી ઈચ્છા.
તડકીલા આયનામાં દેખાતાં રોજ મને,
ફરફરતાં પાનેતર પીચ્છા.

શ્રાવણિયા મોર ભલે થીજી ગ્યા બારસાખે
છાતીએ ટહુકા ત્રોફાવીએ..
ચાલ સખી…

અંધારું આંજીને ચપટીક જીવશું પછી,
જીવતરને દઈ દેશું તાલી
ધખધખતું લોહી હજી ટેરવે વ્હેતું ને,
મનની મહેલાત બધી ખાલી

હણહણતાં કિલ્લોલી શમણાંની સાંકળને
ફિણાતાં જળ લૈ ખોલાવીએ
ચાલ સખી….

ઝીણેરો જીવ સાલ્લો પંખીની જાત
બેસી કાયાના માળામાં હીંચતો
ઝંઝાવાત ફૂંકાયો એવો રે શ્વાસમાં
એક એક સળિયું ખેરવતો

સુક્કી હવાને પીળી ચુંદડિયું પહેરાવી
સૂરજનાં નામે વહેંચાવીએ
ચાલ સખી…

– કનૈયાલાલ ભટ્ટ

તમારું નોખું હું ધ્યાન રાખું


તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.

કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.

તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.

– ગૌરાંગ ઠાકર