જોયા કરવું – દક્ષા બી. સંઘવી


જળ-માટી, આકાશ- પવન-અગ્નિને ભળતાં અર્ધું-પર્ધું જોયા કરવું !
પંચમહાભૂત હરતાં-ફરતાં રૂપ બદલતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !

કાચી-પાકી ડાળ વિચારે, અગન તિખારે પ્રગટી જઈને પૂરણ થાવું,
પૂરણ ધ્યાને અર્ધું બળતાં – અર્ધું ઠરતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !

હોય અખંડે ખંડિત સૂરજ ઝાકળના કણ કણ માંહે ક્ષણ ક્ષણ વેરાતો,
જેમ તૂટેલા દર્પણમાં બીંબો તરફડતા, અર્ધું-પર્ધું જોયા કરવું !

જીર્ણ – જળેલું, ફસકીને ફાટેલું વસ્તર, ક્યાં લગ ટાંકા ટેભા કરવા ?
આ સાંધ્યું, આ ચરડ ચરડ ચિરાડા પડતા, અર્ધું-પર્ધું જોયા કરવું !

ભીનેરા દિવસોના કીડા પાન કતરતાં, તીણાં નહોરો ખચ ખચ ખૂંપે,
લીલી ડાળો, થડ – વૃક્ષોના મૂળ થથરતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !

–  દક્ષા બી. સંઘવી

શબ્દાય છે


આભમાં જ્યાં વાદળો ઘેરાય છે,
માટીને મન ફૂટું ફૂટું થાય છે.

મ્હેક વરસાદી લઈને આ પવન,
લોહીમાં સીધો પ્રવેશી જાય છે.

વાદળી વરસ્યા વગર મુજ આંખથી,
લો, હૃદયમાં પાછી ચાલી જાય છે.

દેહમાં પણ વીજ ચમકી  જાય છે,
બીજ જેવું ગીત રે વેરાય છે.

જે ક્ષણે સૌ શબ્દ થીજી જાય છે,
એ ઘડીમાં મૌન બસ શબ્દાય છે.

આંખમાં આવ્યાં નથી એ આંસૂઓ,
લો, જુઓ દરિયા સુધી રેલાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

અનુભૂતિ


લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

શકય હો તો, કર કદી આવી કમાલ – દિપક બારડોલીકર


શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ

એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

– દિપક બારડોલીકર

પાણીના ટીપે ઘાસમાં જઈએ


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ


અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?

આમ તો છે લાગણીઓનાં ગૂંચવાડા બહુ,
પણ એકમેકને તાંતણે બાંધે છે આ વરસાદ.

સ્નેહીઓનાં સ્નેહ, મિત્રોની મિત્રતા,
અને બાળપણનાં હૈયાં કેરો સાદ કરે છે આ વરસાદ.

શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ ?
કે પછી વર્ષોનાં વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ ?

કોઈ તો રોકો, કોઈ તો પૂછો,
શું કરવા માંગે છે આ વરસાદ ?

અને વાત કહું ધરાનાં ધૈર્યની ?
મને કહે છે શાનમાં, ભલે આખી રાત વરસતો વરસાદ.

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?
-બિજલ ભટ્ટ

વાદળા ઘેરાયા અને વરસી ગયાં


વાદળા ઘેરાયા અને વરસી ગયાં,
ઘણું બધું સાથે ભીંજાવી પણ ગયાં.

વરસાદના પાણીની સાથો સાથ,
ઘણી બધી યાંદો પણ તણાય ગઇ.

ખાબોંચીયાઓ ને જોઇને લગ્યું કે,
ખાબોંચીયા જીવના દુઃખો જેવા છે.

તળાવ કે સમંદરને જોઇને એમ થયું કે,
જીવના સંબંધોના આનંદ સમાન છે.

ધોવાય તો ઘણું ગયું યાદોની સાથે-સાથે,
જે રહ્યું એ પણ કોના માટે એ પણ કોને ખબર.

એટલે જ’દમન’વહેતાં પણીમાં પગ ના બોળ.
ગયેલાની જેમ ક્યારેય તે પાછું નહીં આવી શકે.

-સર્વદમન