શબ્દનો… – મનોજ ખંડેરિયા


ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ – મનોજ ખંડેરિયા


આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

સાવ અટુલા પડી ગયા – મનોજ ખંડેરિયા


તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

– મનોજ ખંડેરિયા

પીંછું…


ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું,
વિહગપંખથી જે ખરી જાય પીંછું.

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીંછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીંછું

હૃદયમાં વસ્યા પંખીઓ બહાર આવે
કદી આંખમાં જો તરી જાય પીંછું

ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું

– મનોજ ખંડેરિયા