લીમડાને આવી ગ્યો તાવ – કૃષ્ણ દવે


લીમડાને આવી ગ્યો તાવ,
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?

વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડીપડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?

કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?

માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

– કૃષ્ણ દવે

એને પેલ્લેથી ફાવે છે દેશી – કૃષ્ણ દવે


એને પેલ્લેથી ફાવે છે દેશી
ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી

મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય

તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને
દુનિયામાં કોઇ એવો રંગારો મળશે ?
જે રંગી દે કાગડાની નાતને ?
આ સોરે (ચોરે) બેહીને પેલા ખેંસતા’તા બીડીયું
આંઈ હવે ખુરશીયું ખેંશી…

એલા એક તો ઈ માંડ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા
ભૂલી ગ્યા ઢેફામાં રખડી ખાતા’તા, ને હમ ખાવા દહ દિએ ન્હાતા…

મેં કીધું કે સત્તાની વહેંચણી કરાય

તો કે આખી ગુજરાત તને વેશી.
એને પેલ્લેથી ફાવે છે દેશી….

એલા છાશવારે શેના સૌ રાડ્યું પાડે છે આ નરબદા બંધ (નર્મદા બંધ) નથી થાતી ?
મેં કીધું કે સાહેબ જરા ધીમેથી બોલો લાગે છે વાત આ બફાતી
નરબદા ડોશીની ડેલીની વાત છે ને ? એલા મારી દેવાની એક ઠેશી..

આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા તો કેમ કરી થાહે આ ગોલ ?
મેં કીધું કે સાહેબ તમે છોડી દ્યો સત્તા તો આખોયે પ્રોબ્લેમ સોલ
તો કે કેમ કરી છોડું આ ખુરશી લગ પોંચવામાં વરહ લાગ્યા છે મને એંશી
એને પેલ્લેથી ફાવે છે દેશી….

– કૃષ્ણ દવે

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં – કૃષ્ણ દવે


ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…

– કૃષ્ણ દવે

for more કૃષ્ણ દવે videos visit www.gujtube.com

આપશ્રી – કૃષ્ણ દવે


છેવટે કંટાળી મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાના શું જાવ છો ?
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં ર્યો’તો
છત્રી ઉઘાડવાનો વેંત ?

વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉગાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયા ને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?

મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ ?

વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળના ગીતો શું ગાવ છો ?

મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ધોધમાર વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?

– કૃષ્ણ દવે

માઈક મળે તો કોઈ છોડે ? – કૃષ્ણ દવે


આજે કૃષ્ણભાઈનો જન્મદિવસ છે અને અચાનક જ ડાયરીના પાના ફેરવતા ફેરવતા આ રચના વાંચવામાં આવી ગઈ અને આપની સાથે વહેંચવા માટે અહીં મૂકી…

કવિને જન્મદિવસની  શુભેચ્છાઓ સાથે… આ રચના

પરસેવો બીચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં
કંટાળો જાણે કે આખ્ખું કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

છેલ્લી બે વાત, એવું  કાનમાં પડે ને કંઈક  શ્રોતામાં જીવ પાછા આવે
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

                                                                                                     – કૃષ્ણ દવે

ખીચડી


એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

– કૃષ્ણ દવે

શિક્ષણ ? ? ?


આજે બાલદિવસ ના પ્રંસગે “કૃષ્ણ દવે” આ સુંદર રચના

આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે ,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .

મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .

દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .

આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .

અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો ,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !!

– કૃષ્ણ દવે